સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના ગોડાદરા વિસ્તારમાં પર્વતગામ ખાતે આવેલ ઠાકોરદ્વાર નગર પાસે આઇડીબીઆઇ બેન્કના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એટીએમમાંથી તસ્કરોએ ચોરીની કોશિશ કરી હતી પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. જેથી આખરે બાદમાં બ્રાન્ચ ઓપરેશન મેનેજરને આ બાબતે જાણ થતા તેઓએ ગતરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને અજાણ્યા ઈસમો સામે ચોરીની કોશિશ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ હરિયાણાના વતની અને સુરતમાં પાલ ભાઠા ખાતે આવેલ ગ્રીન સિટીમાં રહેતા સમીરભાઈ સુરેન્દ્ર જુનેજા આઇડીબીઆઇ બેન્કના બ્રાન્ચ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 20/9/2025 ના રોજ રાત્રે 10 થી 10:30 વાગ્યાના સમયગાળાની અંદર બે અજાણ્યા ચોર ઈસમોએ ગોડાદરા પર્વત ગામ વિસ્તારમાં ઠાકોર દ્વાર નગર સોસાયટી ની બહાર આવેલ આઇડીબીઆઇ બેન્કના એટીએમને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંને અજાણ્યા ચોર ઈસમોએ એટીએમમાં રહેલા રૂપિયાને ચોરી કરવાના ઇરાદે એટીએમ ના મશીનની પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરીની કોશિશ કરી હતી. જોકે તેઓ નિષ્ફળ રહ્યા હતા. બનાવને પગલે સમીરભાઈની ફરિયાદને આધારે ગોડાદરા પોલીસે બંને ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે