મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. અગાઉ હોલસેલ બજારમાં 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી હવે માત્ર 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો સુધી સીમિત થઈ ગઈ છે. આ ઘટાડો જ્યાં એક તરફ ગ્રાહકોને રાહત આપી રહ્યો છે, ત્યાં ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
ખેડૂતો જણાવે છે કે ડુંગળીના વાવેતરમાં જમીન તૈયારી, બીજ, ખાતર, દવાઓ અને સિંચાઈનો મોટો ખર્ચ થાય છે. હાલના ભાવ પર વેચાણ કરતા તેમને ઓછામાં ઓછું 50 ટકા જેટલું નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, નાસિક અને મધ્યપ્રદેશમાંથી પુષ્કળ ડુંગળીની આવકને કારણે પુરવઠો વધી રહ્યો છે અને ભાવમાં ઘટાડો થતો રહ્યો છે.
આ પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સહાય અને પોષણક્ષમ ભાવની માગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો આગામી સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઘટી શકે છે. બીજી બાજુ, વધતી મોંઘવારી વચ્ચે ગ્રાહકો માટે આ ભાવ ઘટાડો રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે, ખાસ કરીને મધ્યવર્ગીય અને નીચલા આવકવર્ગના પરિવારો માટે.
વિશેષજ્ઞો ચેતવણી આપે છે કે, લાંબા ગાળે આવી પરિસ્થિતિથી ઉત્પાદન અને પુરવઠા પર માઠી અસર પડી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR