અમરેલી,23 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લામાં શિક્ષણના પ્રોત્સાહન માટે એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન દ્વારા 142 તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કુલ 20 લાખ રૂપિયાની શૈક્ષણિક સહાય આપવામાં આવી છે. આ મદદથી વિદ્યાર્થીઓ તેમના ઉચ્ચ અભ્યાસને આગળ ધપાવી શકશે અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે.
ફાઉન્ડેશનના ચેરમેન પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે 141 અરજીઓમાંથી 140 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે. ટ્રસ્ટના નિયમ મુજબ માત્ર શિક્ષણ માટે જ સહાય ફાળવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ વિઘ્ન ન આવે. તેમણે જણાવ્યું કે અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીઓના કારણે અભ્યાસ અધૂરા છોડવાના વલણમાં હોય છે, પરંતુ ફાઉન્ડેશન આવા વિદ્યાર્થીઓને મદદરૂપ બની તેમની પ્રતિભાને ઉજાગર કરવામાં મદદ કરે છે.
આ પ્રસંગે અગ્રણી બિલ્ડર વિમલભાઈ કથીરિયાએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે ટ્રસ્ટને 16 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ટ્રસ્ટની પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે અને આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ સુધી સહાય પહોંચાડવાની ક્ષમતા વિકસશે.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આ સહાય તેમને અભ્યાસમાં નવી પ્રેરણા પૂરી પાડશે. ઘણાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, કોમર્સ અને આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે. આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ખર્ચ પૂરો કરવા માટે આ સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે. ટ્રસ્ટના માધ્યમથી અત્યાર સુધી સેકડો વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી છે. ખાસ કરીને ગામડાંઓ અને આંતરિક વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ પહેલ જીવનમાં ફેરફાર લાવનાર સાબિત થઈ છે.
અમરેલી જિલ્લાની શૈક્ષણિક પ્રગતિમાં આ પહેલ એક મજબૂત કડી બની રહી છે. શિક્ષણને જીવન બદલનાર શક્તિ ગણાવતા ફાઉન્ડેશનના આ પ્રયાસો સમાજ માટે પ્રેરણાસ્પદ છે. આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા નવી યોજનાઓ ઘડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પી.પી.સોજીત્રા ફાઉન્ડેશનની આ શૈક્ષણિક સહાય માત્ર આર્થિક મદદ નથી પરંતુ તે વિદ્યાર્થીઓ માટે નવી ઊર્જા, નવી દિશા અને ઉજ્જવળ ભવિષ્યનું દિશાનિર્દેશક બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai