સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને લોનની જરૂર હોવાથી મહિધરપુરામાં રહેતો ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. વેપારીને લોન કરાવી આપવાની લાલચ આપી ઠગબાજ ઈસમે ટુકડે ટુકડે પ્રોસેસિંગના બહાને રૂપિયા 17,900 મેળવી લીધા હતા. જોકે ત્યારબાદ રૂપિયા પણ પરત નહીં આપી અને બેંકમાં લોન પણ નહીં કરાવી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ તમામને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં વાડીનાથ ચોક પાસે આવેલ ભાલચંદ્રનગર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ગણેશભાઈ ગાબાણી વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવેશભાઈ ને વેપાર ધંધા માટે પૈસાની જરૂર હોવાથી તેઓએ મહીધરપુરા વિસ્તારમાં રહેતો અને તેના સંપર્કમાં રહેલ મુકેશ ગણેશભાઈ ડોબરીયા ને લોન માટે વાત કરી હતી. જેથી મૂકેશએ તેમને લોન કરાવી આપવાનો વાયદો આપ્યો હતો અને ત્યારબાદ મુકેશે તેમની પાસેથી લોન માટેના જરૂરી ડોક્યુમેન્ટ લઈ ટુકડે ટુકડે તેમની પાસેથી ગૂગલ પે મારફતે રૂપિયા 17,900 પચાવી પાડ્યા હતા અને ત્યારબાદ પણ લોન નહીં કરી આપી ઠાગાઠૈયા કર્યા હતા. જેથી ભાવેશભાઈ ને પોતાની સાથે છેતરપિંડી થાય હોવાનો અહેસાસ થતાં તેઓએ રૂપિયા પરત માંગણી કરી હતી પરંતુ મુકેશ રૂપિયા પણ પરત નહીં આપી અને લોન પણ નહીં કરાવી આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર ભાવેશભાઇએ આ મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશ ડોબરીયા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે