પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આવેલ પીપળી વાસ, રાધનપુરી વાસ અને મોતીસા દરવાજા વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફેલાતા ગંદકી છવાઈ ગઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે.
તાજેતરમાં આ વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવારના બાળકને ડેન્ગ્યુ થતાં પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવું પડ્યું હતું. ઉપરાંત, અહીં એક ડાયાલિસિસ દર્દી રહે છે જેમનું સ્વાસ્થ્ય પણ ગંભીર રીતે જોખમમાં મુકાયું છે. રહેવાનો માહોલ અત્યંત અસ્વચ્છ બની ગયો છે.
સફાઈ એજન્સી દ્વારા કુંડીઓની સફાઈ બાદ ગંદકી ત્યાં જ છોડી દેવામાં આવે છે, જેના કારણે લોકો ગંદા પાણી અને કચરામાંથી પસાર થવું પડે છે. સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક દવાનો છંટકાવ તથા રસ્તાઓની સફાઈ કરવા તંત્રને અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ