પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના જુનાગંજ વિસ્તારમાં રહેતા મોદી સમાજના અગ્રણી સ્વ. હર્ષદભાઈ શંકરલાલ મોદીના પરિવારજનો દ્વારા દેહદાનનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમના પુત્ર હરેશભાઈ, ડૉ. રણજીભાઈ, દીકરીઓ અને પૌત્રોએ આ સંકલ્પ સાથે શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ ડૉ. શૈલેષ બી. સોમપુરાનો સંપર્ક કર્યો હતો. સ્વ. હર્ષદભાઈનો દેહ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાનમાં અપાયો છે. મોદી સમાજ તરફથી આ પ્રથમ દેહદાન છે, જેને સમાજમાં પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યું છે.
દેહદાનની પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલમાં ડૉ. બથીજા, ડૉ. રોહિતભાઈ અને ડૉ. કુલદીપભાઈની ઉપસ્થિતિમાં દેહ સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો સાથે કે.સી. પટેલ, શાંતિભાઈ સ્વામી, મુકેશભાઈ ઓઝા, ડૉ. વિપુલભાઈ મોદી, ડૉ. જયેશભાઈ મોદી તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ લાઇબ્રેરી તરફથી અપાયેલું બીજું દેહદાન છે. પ્રસંગે લાઇબ્રેરીના કારોબારી સભ્યો રાજેશભાઈ પરીખ, હસુભાઈ સોની, અશ્વિનભાઈ નાયક, નટુભાઈ દરજી અને કેશવલાલ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. દેહદાન કે અંગદાનનો સંકલ્પ લેવાના ઈચ્છુક નાગરિકો માટે 9825760700 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ