અમરેલી, 23 સપ્ટેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લામાં આરોગ્ય સુવિધાઓને વધુ સુલભ બનાવવા માટે આરોગ્ય અને પરિવાર વિભાગ, ગાંધીનગર જિલ્લા પંચાયત અમરેલી તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન–ઉપચાર કેમ્પ આયુષ મેળો યોજાયો હતો. આ આરોગ્ય મેળામાં સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકારીયા ઉપસ્થિત રહી લોકોમાં આયુષ પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પ્રશંસનીય આગ્રહ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, આજના યુગમાં લોકો એલોપેથીક દવાઓ પર જ વધુ આધાર રાખે છે, પરંતુ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ – આયુર્વેદ અને હોમિયોપેથીક – શરીરને સ્વસ્થ બનાવવામાં અને લાંબા ગાળે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું તથા જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરાયું. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, સંધિવાન તથા પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ અંગે પરામર્શ માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
આયુષ મેળાનો મુખ્ય હેતુ લોકો સુધી વિકલ્પ ચિકિત્સા પદ્ધતિઓની પહોંચ વધારવો અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં રહેતા નાગરિકોને ઓછા ખર્ચે અસરકારક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે. સાથે જ સ્વચ્છતા, યોગ્ય આહાર અને યોગ પ્રત્યેની જાગૃતિ વધારવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આયોજકોના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં અમરેલી જિલ્લાના અન્ય તાલુકા મથકો પર પણ આવા આરોગ્ય મેળાઓ યોજીને વધારેમાં વધારે લોકો સુધી નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન પહોંચાડવાની યોજના છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીઓ, સરકારી તબીબો તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai