પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજની જલીયાણ ગ્રીન સોસાયટીએ નવરાત્રી દરમ્યાન પર્યાવરણ સંરક્ષણ માટે અનોખી પહેલ કરી છે. સોસાયટીના 110થી વધુ પરિવારોએ પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ સામગ્રીનો ત્યાગ કરી, સ્ટીલના વાસણોનો ઉપયોગ શરૂ કર્યો છે. લગભગ રૂ. 15,000ના ખર્ચે સ્ટીલની ડિશો અને પ્યાલીઓ ખરીદીને દર વર્ષની નવરાત્રીમાં તેનો પુનઃઉપયોગ કરવાની યોજના બનાવવામાં આવી છે.
નવલરૂપે, પ્રસાદ અને નાસ્તામાં ચોકલેટ, ચીકી, બિસ્કિટ જેવી કચરો ઉત્પન્ન કરતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાંની પાછળ પર્યાવરણ જાગૃતિનો મક્કમ સંકલ્પ છે, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘પંચ પરિવર્તન’ અભિયાન અંતર્ગત હાથ ધરાયું છે.
પ્રથમ નોરતે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ યોજાઈ હતી, જેમાં સમગ્ર સોસાયટીના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ એક ઉદાહરણરૂપ બન્યો છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો દ્વારા પર્યાવરણ જાગૃતિ ફેલાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ