જૂનાગઢ 23 સપ્ટેમ્બર (હિ.સ.) બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત નવરાત્રી પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે દિકરી વધામણા કીટ વિતરણ કરવામાં આવી હતી. કીટ વિતરણનો ઉમદા હેતુ દીકરીના જન્મને ઉત્સાહભેર વધાવવાનો,દીકરીઓ પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ કેળવવો, 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને વેગ આપવોનો છે.
બેટી બચાવો, બેટી પઢાઓ જેવા અભિયાનને વધુ બળ આપવા માટે નવરાત્રિ, જે દેવીપૂજા અને નારી શક્તિનું પ્રતિક છે, તે સમયે દીકરીના જન્મને વધાવવા સિવિલ હોસ્પિટલ ખાતે દીકરી વધામણા કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ માત્ર એક યોજના ન રહેતા, સામાજિક પરિવર્તન તરફનું એક મહત્વનું પગલું સાબિત થયું છે. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં દીકરીને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનીને તેના જન્મને આટલા ઉત્સાહ અને સન્માન સાથે વધાવવાની આ પહેલ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે. આ પ્રકારના કાર્યક્રમો દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને દૂર કરવામાં અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં ચોક્કસપણે મદદરૂપ થશે અને આપણે સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકીએ છીએ.
આ કાર્યક્રમમાં નવજાત બાળકીઓના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ સરકારી પહેલની સરાહના કરી હતી. આ કાર્યક્રમ થકી દીકરીના જન્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવી,અને સાથે સાથે વ્હાલી દીકરી યોજના અંગે સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ ના માર્ગદર્શન હેઠળ સખી-વન સ્ટોપ સેન્ટર સ્ટાફ ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ