પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી 'મને જાણો' કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ડૉ. શૈલેષ સોમપુરાના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જેમાં લાઈબ્રેરીના રીનોવેશન અને 12 ઓક્ટોબરે યોજાનાર દાતા સન્માન કાર્યક્રમની માહિતી આપી. નગીનભાઈ ડોડીયાએ વક્તાનો પરિચય કરાવ્યો અને મહાસુખભાઈ મોદીએ આભારવિધિ અર્પી.
આ પ્રસંગે ડૉ. કૃણાલ કપાસીએ સિદ્ધહેમ શબ્દાનુશાસન વિષયક વક્તવ્ય આપ્યું. તેમણે હેમચંદ્રાચાર્યના જીવન અને કાર્ય પર પ્રકાશ ફેંક્યો. હેમચંદ્રાચાર્યનો જન્મ વિક્રમ સંવત 1145માં કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો અને માત્ર 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિક્રમ સંવત 1166માં તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું હતું.
તેમણે રાજા સિદ્ધરાજ જયસિંહના આશીર્વાદથી દેશભરના 300થી વધુ લેખકો પાસેથી કૃતિઓ એકત્ર કરી હતી. આ આધારે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું સંયોજન કરતું વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યું, જે આઠ અધ્યાયમાં વિભાજિત છે. કાર્યક્રમ અંતે ઉપસ્થિત વિદ્વાનોએ પ્રશ્નોત્તરી દ્વારા પાટણના ઇતિહાસને ઉજાગર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ