મહેસાણા, 23 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસું હળવું થતાં વિસનગર–મહેસાણા તથા વિસનગર–ગાંધીનગરને જોડતા લીંક રોડ પર હાલ રીસરફેસીંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોના દૈનિક જીવનમાં સરળ અને સુરક્ષિત યાતાયાત માટે રોડ નેટવર્કની તાત્કાલિક મરામત કરવા દિશાનિર્દેશ આપ્યા બાદ આ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રોડની હાલત ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આવા માર્ગોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રીસરફેસીંગની કામગીરી સાથે સાથે રોડ મેન્ટેનન્સ અંતર્ગત ડામર પેચવર્કનું કાર્ય પણ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે.
વિસનગર અને મહેસાણાને જોડતા આ મહત્વના માર્ગો પર સુધારેલા ડામર રોડના કારણે મુસાફરોને આરામદાયક અને ઝડપી યાતાયાતની સુવિધા મળશે. સાથે જ વિસનગર–ગાંધીનગર લીંક રોડના સુધારા બાદ ગામડાઓ તથા શહેર વચ્ચેના વેપાર અને રોજિંદા કારોબારમાં સહજતા વધશે. માર્ગ અને મકાન વિભાગે આગામી દિવસોમાં અન્ય જરૂરી માર્ગોની મરામત પણ હાથ ધરવાની ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR