પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરના તિરૂપતિ માર્કેટના બીજા માળેથી મંગળવારે સવારે એક અજાણ્યા ભિક્ષુકની લોહીથી ભરેલી લાશ મળી આવી હતી, જેે લગભગ 50 વર્ષનો જણાઈ રહ્યો છે. આ અચાનક ઘટના સાથે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી, પરંતુ પ્રાથમિક તબક્કે કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળી ન આવ્યા.
સિદ્ધપુર પોલીસ મથકના પીઆઇ જે.બી. આચાર્યે જણાવ્યું હતું કે, તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ પછી જ મોતનું સાચું કારણ જાણવા મળશે. હાલ આ મૃત્યુ અકસ્માત છે કે હત્યા, તે અંગે સ્પષ્ટતા થયા બાદ આગળની કાર્યવાહી થશે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ