સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલ ડભોલી ચાર રસ્તા પાસે તસ્કરોએ એક કોમ્પ્લેક્સમાં ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. ત્રણેય દુકાનમાંથી તસ્કરોએ દુકાનના તાળા તોડી તેમાંથી રોકડા રૂપિયા તથા મોબાઇલ મળી કુલ 2.48 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર વેપારીઓએ આ મામલે સિંગણપો ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલીના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા ખાતે આવેલ ગોવીંદ રેસીડેન્સીમાં રહેતા 26 વર્ષે અંકિતભાઈ મનોજભાઈ રાયચા મોબાઈલ ની દુકાન ધરાવે છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ડભોલી ચાર રસ્તા પાસે ધર્મજીવન કોમ્પલેક્ષમાં તેમની એ આર મોબાઈલ નામની દુકાન આવેલી છે. ગત તારીખ 22/9/2025 ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન દુકાનો બંધ હતી ત્યારે અજાણ્યા ચોર ઇસમોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ દુકાનના તાળા કોઈ સાધન વડે તોડી નાખી તથા ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને અંકિતભાઈની દુકાનમાંથી રૂપિયા 2.13 લાખની કિંમતના મોબાઇલ તથા કાઉન્ટર માંથી રોકડા રૂપિયા 12,000 ચોરી લીધા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલ બાબુસિંહ ખુમાનસિંહ પરમારની દુકાનમાંથી રોકડા રૂપિયા 11,000 અને ચંદુભાઈ રાજાભાઈ પરમાર ની દુકાનમાંથી રોકડા રૂપિયા 12000 મળી કુલ રૂપિયા 2.48 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવને પગલે બીજે દિવસે સવારે દુકાનના માલિકોને ચોરી થયાની જાણ થતા તેઓએ સિંગણપોર પોલીસને જાણ કરી હતી. હાલ તો સિંગણપોર પોલીસે આ સમગ્ર બનાવમાં અંકિતભાઈની ફરિયાદને આધારે તથા અન્ય બંને વેપારીઓની ફરિયાદને આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે