અમરેલી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાનો લીલીયા તાલુકો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે. આ તાલુકાના આંબા ગામમાં આવેલી પૌરાણિક વાવ આજે પણ લોકોના આસ્થા કેન્દ્ર તરીકે ઓળખાય છે. ગામના વડીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ વાવ લગભગ 200 વર્ષ જૂની છે. સ્થાનિકોનું માનવું છે કે આ વાવ પાંચ પેઠી પહેલાં બનાવવામાં આવી હતી. આ વાવમાં પાંચ કોઠા છે અને અંદર માતાજીનું મંદિર આવેલું છે, જે ગામજનો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે.
આ વાવની સૌથી ખાસ વાત એ છે કે અહીંનું પાણી ક્યારેય ખૂટતું નથી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ વાવનું પાણી ભરપૂર રહે છે. લોકો માને છે કે આ જગ્યા પર દેવીની કૃપા છે. ગામના લોકો જ્યારે કોઈ સારા કામ માટે નીકળે છે ત્યારે સૌપ્રથમ અહીં આવી માતાજીને વંદન કરે છે અને પછી પોતાનું કાર્ય શરૂ કરે છે.
આ વાવમાં ઉતરવા માટે પગથિયાં બનાવવામાં આવ્યા છે, જેથી લોકો સરળતાથી પાણી લઈ શકે અને માતાજીનું દર્શન કરી શકે. અંદરના ખોળિયામાં ખોળિયાર માતાજીનું મંદિર આવેલ છે. દરેક વર્ષે બીજના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામજનો સાથે આસપાસના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે. આ પ્રસંગે ગામમાં મેળાજવો માહોલ સર્જાય છે.
લગભગ દસ વર્ષ પહેલાં આ વાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેનું દ્વાર ફરીથી બનાવવામાં આવ્યું અને મંદિરને પણ નવી જળક પાથરવામાં આવી. ગામના લોકોના સહકારથી કરાયેલ આ કાર્ય આજે વાવને વધુ આકર્ષક બનાવે છે. માત્ર પાણી માટેનું સ્રોત જ નહીં પરંતુ આ વાવ ગામની સામૂહિક એકતાનું પ્રતિક બની રહી છે.
મુકેશ ખસિયા જણાવે છે કે આંબા ગામની આ વાવ માત્ર ઐતિહાસિક વારસો જ નહીં, પણ ગામની ધાર્મિક આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. વાવ અને મંદિરને કારણે ગામમાં ધાર્મિકતા સાથે સાંસ્કૃતિક પરંપરા પણ જીવંત રહી છે.
આ વાવ આજના સમયમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે. કુદરતી સંપત્તિ સાથે ધાર્મિક ભાવનાનો સંગમ આ સ્થળને ખાસ બનાવે છે. આંબા ગામની આ પૌરાણિક વાવ માત્ર ગામજનો માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai