પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. દૂધના અપૂરતા ભાવ, સાગર દાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પશુપાલકો દૂધના ભાવમાં વધારો અને દાણની ગુણવત્તામાં સુધારાની માંગ સાથે અશોક ચૌધરીનો વિરોધ નોંધાવી રહ્યા છે.
આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ કરવા માટે દૂધથી ભરેલા કેન સાથે રિક્ષામાં પહોંચ્યા હતા. પોલીસે રિક્ષા રોકી, દૂધ ઢોળી વિરોધ કરવાનો પ્રયાસ થતાં ઘર્ષણ થયું હતું. પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવી પડી અને પાંચ પશુપાલકોની અટકાયત કરી હતી. વિરોધ કાર્યક્રમને અટકાવાતા પશુપાલકોમાં વધુ રોષ ફેલાયો હતો. બાદમાં પશુપાલકો અને આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
દૂધસાગર ડેરીના ડિરેક્ટર રમેશ દેસાઈએ વિરોધને ચૂંટણીલક્ષી ગણાવતાં જણાવ્યું હતું કે, આ લોકો બહારથી બોલાવેલા છે અને ડેરી સંબંધિત નથી. તેમણે દાવા કર્યો કે, ડેરીમાં તમામ કામગીરી પારદર્શક છે અને ઓનલાઈન ટેન્ડર પદ્ધતિથી કામ થાય છે. તેમણે દૂધના ભાવમાં વધારો થયો હોવાનું કહ્યું અને એક કિલો ફેટનો ભાવ 650માંથી 830 રૂપિયા થયો હોવાનું ઉમેર્યું.
એક્સપાયરી મિલ્ક પાઉડર અંગેના આક્ષેપો વિશે રમેશ દેસાઈએ જણાવ્યું કે, સરકાર દ્વારા લીધેલા સેમ્પલ ક્લિનચીટ આપી ચૂક્યા છે. આ સંપૂર્ણ વિરોધ માત્ર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. હજુ જે ચેરમેન બનવા માંગે છે તે ખુલ્લેઆમ નથી આવ્યા પણ ટૂંક સમયમાં આવશે તેમ જણાવ્યું.
ડેરીના ડિરેક્ટર પ્રધાનજી ઠાકોરે કહ્યું કે, હાલ નિયામક મંડળના પાંચ વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. અત્યાર સુધી ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહીં હોય તો હવે અચાનક વિરોધ એ પસંદગીની તૈયારીઓ માટેની રણનીતિ છે. પાઉડર પ્લાન્ટ લગાવવાનો નિર્ણય પણ ચેરમેનનો એકલાનું નથી, સમગ્ર બોર્ડ અને સરકારની મંજૂરીથી જ કાર્ય થાય છે.
પશુપાલકોના સંમેલન માટે ખાડિયા વિસ્તારમાં યોજાનારી રેલીની મંજૂરી જિલ્લા તંત્ર દ્વારા રદ કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા સહકારી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીના વાંધા બાદ બી ડિવિઝન પોલીસે કાયદો વ્યવસ્થાને ધ્યાને લઈને રેલીની મંજૂરી ન આપવાની ભલામણ કરી હતી. મામલતદારે આ ભલામણને આધારે રેલી રદ કરતા પશુપાલકોમાં રોષની લાગણી પ્રસરી હતી. સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ