પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ, સમી (પાટણ)માં ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નવરાત્રી મહોત્સવ અને સ્ટોલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયો.
વિદ્યાર્થીઓએ SSIP અને ઇનોવેશન ક્લબ હેઠળ વિવિધ સ્ટોલ્સ લગાવ્યા હતા જેમાં ખાણીપીણી, કપડાં અને આર્ટિફિશિયલ જ્વેલરીના સ્ટોલ્સનો સમાવેશ થયો. સાથે સાથે NSS દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે સ્વચ્છતાનું સંકલ્પ લીધો. આચાર્યશ્રીએ ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા.
કાર્યક્રમના સફળ આયોજન માટે ડૉ. આરતીબેન પ્રજાપતિ, ડૉ. જાગૃતિબેન પ્રજાપતિ, પ્રો. જેવતભાઈ ચૌધરી અને પ્રો. વિજયભાઈ જોષીએ મહત્વની ભૂમિકા ભજવી. ડૉ. ખુશ્બુબેન મોદી અને પ્રો. રિમતાબેન ચૌધરી દ્વારા તૈયાર કરાયેલ સેલ્ફી પોઇન્ટ ખાસ આકર્ષણ રહ્યું. અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ