જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલીકા દ્વારા યોજાયેલા લોકમેળામાં રૂ.૧૭.૨૫ લાખના ગોટાળા બહાર આવ્યા બાદ હવે મ્યુ.કમિશ્નરે આક્રમણ વલણ રાખીને ચાર ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિની સાંજે જાહેરાત કરી છે અને તમામ સભ્યો આજે એકીસાથે મળશે અને આ અંગેનું તમામ સાહિત્ય ચેક કરશે તેમ જાણવા મળે છે.
બીજી તરફ આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે, મેળાના ધંધાર્થી પત્નીના નામનો ચેક કરાવે તે પહેલા જ તેને દવા પીધી હોવાનું બહાર આવ્યું છે, જો કે હજુ સતાવાર રીતે પોલીસ ફરિયાદ થઇ નથી, આમ હવે આ પ્રકરણ નવરાત્રીમાં ગોળ-ગોળ ઘુમવા લાગ્યું છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મેળાના એક ધંધાર્થી નિલેશ મંગેની પત્નીનો રૂ.૧૭.૨૫ લાખનો ચેક બેંકમાં જમા કરાવાયો છે તે પાસ થાય છે કે કેમ તેના ઉપર બધાની નજર છે, બીજી તરફ મહાપાલીકા કોઇ વધુ તપાસ કરે તે પહેલા નિલેશ મંગેએ દવા પીધી હોવાનું બહાર આવ્યું છે, મહાપાલીકાનો રોલ હજુ સુધી સમજાતો નથી અને અધિકારીઓ પણ ખાસ કંઇ પ્રકાશ પાડતા નથી.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, ચીફ ઓડીટર કોમલ પટેલ અને ઓફીસ સુપ્રિ. હર્ષદ પટેલ સહિતના ચાર સભ્યોને આ સમિતિમાં સામેલ થવા આદેશ કર્યો છે અને બે-ત્રણ દિવસમાં જ આ અંગેનો સતાવાર રીપોર્ટ આપી દેવા જાણ કરી દેવામાં આવી છે.
કોર્પોરેશનમાં નવરાત્રી સમયે જ આ પ્રકરણ ગરબાની જેમ ઘુમવા લાગ્યું છે, નવાઇની વાત તો એ છે કે, કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને બહાર લાવવા અને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી હતી, ત્યારે એવી ચર્ચા થઇ રહી છે કે કોંગ્રેસના કેટલાક સભ્યો દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ ન થાય અને મામલો થાળે પાડી દેવામાં આવે તે અંગે પણ ભલામણનો દૌર શરૂ થઇ ચૂકયો છે.
શાસક જુથ દ્વારા પણ આ પ્રકરણ અંગે કંઇ બોલાવામાં આવ્યું નથી અને ચુપકીદી સેવવામાં આવી રહી છે તે ઘણું સુચક કહી જાય છે, કેટલાક લોકો તો ત્યાં સુધી કહે છે કે, આ સમગ્ર પ્રકરણમાં ઘીના ઠામમાં ઘી પડી જશે, એકાદ-બે કર્મચારીઓને શોકોઝ નોટીસ અપાશે અને મામલો રફેદફે પણ કરી દેવાશે, જોઇએ હવે વહિવટી પાંખ આ સમગ્ર પ્રકરણને કેવી ગંભીરતાપૂર્વક હાથ લેશે તે તો આગામી સમય જ કહેશે. જો કડક પગલા લેવાશે તો બે-ત્રણ લોકોના દશેરા પણ બગડી શકે તેમ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt