પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણની બહેરા મૂંગા શાળામાં બધિર સપ્તાહની ઉજવણીનો શુભારંભ કલેકટરશ્રીના હસ્તે કરવામાં આવ્યો. કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને રમતગમત અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ કર્યું.
આ પ્રસંગે ત્રિવેન્દ્રમ, કેરળ ખાતે યોજાયેલી નેશનલ ડેફ ચેમ્પિયનશિપ 2025માં શાળાના ખેલાડીઓએ ગુજરાત માટે કુલ 6 મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર તમામ ખેલાડીઓ તેમજ માર્ગદર્શક કોચ ઘેમરભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી ભરતભાઈ શાહ દ્વારા હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના એક તાલીમાર્થીને ઈલેક્ટ્રીક સાયકલ ભેટ આપવામાં આવી. શાળાના શુભેચ્છક જનકભાઈ ઠક્કરે જાહેર કર્યું કે, આગામી વર્ષે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ જીતનાર તમામ ખેલાડીઓને મુંબઈ પ્રવાસ પર મોકલવામાં આવશે.
કલેકટરશ્રીએ શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓને, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાની સહાયરૂપ થવા અનુરોધ કર્યો. સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ મનોરંજક અને પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે અને 29 ઓક્ટોબરના સમાપન કાર્યક્રમમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ