અમરેલી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ખેત ઓજારો પર લાગતા GSTના દરોમાં ઘટાડો કરતા હવે ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધનો વધુ સસ્તા ભાવે મળી રહ્યા છે. જેના કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફરી ખેત ઓજારોની ખરીદી શરૂ કરી છે.
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા, ધારી, વિસાવદર અને બાબરા સહિત જસદણ જેવા તાલુકાઓ ખેત ઓજારોના ઉત્પાદન માટે જાણીતા છે. અહીં મોટા પ્રમાણમાં ઓરણી, હળ, રોટાવેટર, ટ્રેલર અને અન્ય સાધનો બને છે. GSTના દરોમાં ઘટાડો થતાં આ સાધનોના ભાવમાં ₹5,000 થી લઈને ₹40,000 સુધીનો ઘટાડો નોંધાયો છે. આ સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
સાવરકુંડલાના ખેડૂત જીગ્નેશભાઈ માથુકિયાએ જણાવ્યું કે, “GSTમાં ઘટાડા બાદ ખેડૂતોને ખેતી સાધનો સસ્તા ભાવે મળી રહ્યા છે. ખાસ કરીને ઓરણીની ખરીદીમાં ખેડૂતોનો રસ વધી રહ્યો છે. હાલ ખેડૂતો નવરાત્રિના પાવન પ્રસંગે પણ ખરીદી શરૂ કરી છે, જે એક સકારાત્મક સંકેત છે.” તેમણે ઉમેર્યું કે સરકાર તરફથી મળતી સબસીડી સાથે ખેડૂતોને વધારાનો ફાયદો મળી રહ્યો છે.
હાલમાં સરકારે ખેડૂતોને ઓરણી પર રૂ. 26,000 સુધીની સબસીડી ઉપલબ્ધ કરાવી છે. જેના કારણે સાધનોનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો છે. જેમ કે, ઓરણીના ભાવમાં અંદાજે ₹5,000નો ઘટાડો થયો છે. આ સસ્તું દર અને સબસીડીની સુવિધા મળતા ખેડૂતો ખેતી સાધનો ખરીદવા ઉત્સાહિત બન્યા છે.
અમરેલી જિલ્લાના ખેડૂત મેહુલ શેરાએ જણાવ્યું કે, “GSTના દરોમાં ઘટાડો થતા ખેતી સાધનોની ખરીદી હવે સરળ બની ગઈ છે. ખેડૂતોને મોટી રાહત મળી છે. હાલ અમે ઓરણી સહિતના સાધનો ખરીદી રહ્યા છીએ. સરકાર તરફથી મળતી સબસીડી અને ભાવ ઘટાડા બંનેનો ખેડૂતોને બમણો લાભ થયો છે.”
ખેતી સાધનોના બજારમાં હાલ ખરીદીનું વલણ વધ્યું છે. નવો કૃષિ સીઝન શરૂ થવા પહેલાં ખેડૂતો સસ્તા ભાવે સાધનો મેળવી લેવાની દોડમાં છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે, GST ઘટાડાના પગલે ખેતી સાધનોની માંગમાં 30 થી 40 ટકા જેટલો વધારો નોંધાયો છે.
વિશેષ કરીને ઓરણી, જે વાવણી પહેલાં સૌથી અગત્યનું સાધન ગણાય છે, તેની ખરીદીમાં ખેડૂતોનું વિશેષ ધ્યાન છે. ઓરણીનો ખર્ચ ઘટાડાતા અને સબસીડી મળતા ખેડૂતોને હવે ખેતી ખર્ચમાં સીધી બચત થશે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે.
કુલ મળીને GSTના દરોમાં ઘટાડો અને સરકારની સબસીડી યોજનાઓને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી માટેની જરૂરી તૈયારીઓ વધુ સરળ બની રહી છે. આ પગલાથી ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધશે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai