ગીર સોમનાથ 24 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત, નિયામકઆયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા તથા સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૧૦માં આયુર્વેદ દિવસની ઉજવણીની સાથે સોમનાથ પરિસર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વન્તરિનું પૂજન કરાયા બાદ આયુષ નિદાન સારવાર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સરળ અને અસરકારક આયુર્વેદિય પદ્ધતિઓને અપનાવવા અને પ્રોત્સાહિત કરવા દિનચર્યામાં ઉપયોગી એવી આયુષ વસ્તુઓથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કરાયા હતાં.
આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પધ્ધતિ દ્વારા નિદાન અને સારવાર તેમજ સંધિવાત અને સ્નાયુના રોગોમાં તુરંત લાભ થાય એવી પંચકર્મ સારવાર અને આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ ચિકિત્સા પદ્ધતિ દ્વારા પેઈન મેનેજમેન્ટ સાંધાનાં દુ:ખાવા,પેટના દર્દ, ચામડીના રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, તેમજ અન્ય તમામ રોગોની અનુભવી વૈદ્યો દ્વારા નિદાન કરી વિનામૂલ્યે સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી.
આ કાર્યક્રમની સાથોસાથ આયુર્વેદમાં ફળોનું મહત્વ, આયુર્વેદમાં શાકભાજીનું મહત્વ, ઋતુચર્યા પ્રમાણે ખોરાક, રસોડામાં રહેલી ઔષધિઓ સહિત આયુર્વેદના વિવિધ વિષયો પરની પ્રદર્શની યોજાઈ હતી.
આ કેમ્પમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના યોગેશ જોશી, જિલ્લા આયુર્વેદ અધિકારી આર.ડી.ઔઠા, નોડલ અધિકારી શ્રી વિજયસિંહ ગોહિલ સહિત આયુર્વેદ વિભાગના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ