સુરત,24 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરત કામરેજ રોડ, સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ટેક્ષટાઈલ જાબવર્કનું કામકાજ કરતા 46 વર્ષીય આધેડનો સાયબર માફિયાઓએ મોબાઈલ હેક કરી ખાતામાંથી દસ તબક્કામાં એક લાખ ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
સરથાણા જકાતાનાકા, પરમહંસ સંકુલની સામે, સેતુ રેસીડેન્સીમાં રહેતા અને ઘરેથી જ ટેક્ષટાઈલ જોબવર્કનું કામ કરતા વિપુલ મઘુભાઈ સાંગાણીનો ગત તા 22 જૂલાઈના રોજ સાડા અગિયાર વાગ્યાથી મોબાઈલ નેટવર્ક આવતુ બંધ થઈ ગયું હતું. કોઈને પણ કોલ લાગતા ન હતા. સગા સંબંધીઓ સહિતના લોકો કોલ કરતા તમારા મોબાઈલની લાઈન સ્થગીત કરી દેવામાં આવી છે હોવાની કોલર ટ્યુન વાગતા વિપુલભાઈને એવુ હતું કે કંપની તરફથી સર્વર ડાઉન હશે. એવુ સમજીને ધ્યાન આપ્યું ન હતું પરંતુ બીજા દિવસે પણ ફોનમાં નેટવર્ક નહી આવતા તેઓ જીયો કેરની ઓફિસમાં જઈ સીમકાર્ડ ફરીથી એકટીવ કરાવ્યો હતો. અને વિપુલભાઈએ તેમના મોબાઈલની ગુગપે એપ્લીકેશન ખોલી ચેક કરતા ખાતામાંથી દસ તબક્કામાં એક લાખ ટ્રાન્સફર થઈ ગયા હોવાનુ બહાર આવતા ચોકી ઉઠ્યા હતા. વિપુલભાઈને ખ્યાલ આવી ગયો કે કોઈ ભેજાબાજે તેમનો મોબાઈલ હેક કરી ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. બનાવ અંગે વિપુલભાઈની ફરિયાદને આધારે સરથાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે