પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)
પાટણ શહેરના ચાચરીયા ચોક ખાતે આવેલા શ્રી ઝૂલેલાલ મંદિરે આસો સુદ બીજના દિવસે ભગવાન ઝૂલેલાલના નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ તથા કુળદેવી હિંગળાજ માતાજીનું મંદિર અખંડ જ્યોતથી પ્રગટિત રહે છે. સાંજે ચાચરીયા ચોકમાં ભજન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. સિંધી સમાજના સભ્યોએ પરંપરાગત નૃત્ય કરીને ભાવભક્તિ દર્શાવી હતી.
ઝૂલેલાલ રાસમંડળ દ્વારા પરંપરાગત રીતે ભૈરાણું તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં દૂધ, મીઠા ભાત, કાજુ-બદામ, એલચી, લવિંગ અને વિવિધ ફળોની આહુતિ આપવામાં આવી હતી. શ્રીફળ અને લોટથી સુશોભિત માટલીને અબીલ, ગુલાલ, કંકુ અને અત્તરથી શણગારવામાં આવી હતી અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં વિસર્જિત કરવામાં આવી હતી.
સામૂહિક આરતી અને ભોજન બાદ, આગામી કાર્યક્રમ તરીકે 6 ઓક્ટોબર 2025ના રોજ શરદ પૂર્ણિમાએ હિંગળાજ માતાજીનો સાતમો પાટોત્સવ ઉજવાશે. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રમુખ ખેમચંદ પોહાણી, મંત્રી રાજુભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરે નેતૃત્વ સંભાળ્યું હતું. નવ યુવકમંડળ તથા વાંહે ગુરુ ગ્રુપના સભ્યોએ સેવા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ