પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર શહેરમાં આવેલા વડપાસર તળાવ ખાતે એક અત્યંત દુઃખદ ઘટના બની છે. ઘાંચી મસ્જિદ પાસે રહેતા હારૂન ઘાંચીએ તેમના 2 વર્ષના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવી હતી. સાંજના સમયે બનેલી આ ઘટના બાદ આસપાસના લોકો બૂમાબૂમ કરતા તળાવ કિનારે ટોળું એકઠું થયું હતું.
સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. લગભગ બે કલાકની મહેનત બાદ પિતા અને પુત્રને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અચાનક ઘટનાને પગલે સમગ્ર શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ સુધી હારૂન ઘાંચીએ આ પગલું કેમ ભર્યું તે વિશે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ