અમરેલી,24 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાની મહિલાઓ હવે સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ પોતાનો સમય સકારાત્મક રીતે વાપરીને રોજગાર સર્જી રહી છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની મહિલાઓ મીલેટ આધારિત મુખવાસ બનાવી અને તેનો વેપાર શરૂ કરીને પોતાની ઓળખ બનાવી રહી છે.
ગામની જલ્પા ઘેવરિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી મુખવાસ બનાવે છે. શરૂઆતમાં તેઓએ પોતાની સાસુ સાથે મળીને ઘઉંનો મુખવાસ બનાવવાનો પ્રયોગ કર્યો હતો. થોડા સમયમાં જ તેમને લાગ્યું કે જો જુવાર અને બાજરી જેવા મીલેટ સામેલ કરવામાં આવે તો મુખવાસને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવી શકાય. ત્યારબાદ અન્ય મીલેટ ઉમેરતા તેઓએ એક વિશિષ્ટ મુખવાસ તૈયાર કર્યો.
હાલ તેઓ બનાવતા મીલેટ મુખવાસને ગ્રાહકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. જલ્પાબેન કહે છે કે એક કિલો મુખવાસનો ભાવ 400 રૂપિયા રાખવામાં આવ્યો છે. માત્ર બે મહિનાના ગાળામાં 140 કિલો મુખવાસનું વેચાણ સમગ્ર ગુજરાતમાં થયું છે. આ વેચાણમાંથી 56,000 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે અને વેચાણનો આ સિલસિલો સતત ચાલુ છે.
ગામડાની મહિલાઓ માટે આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જો યોગ્ય વિચારસરણી અને પ્રયાસ કરવામાં આવે તો ઘરેલું કળાને પણ સારા રોજગારમાં પરિવર્તિત કરી શકાય છે. મીલેટ આધારિત મુખવાસ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. આજના સમયમાં લોકો આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે, જેના કારણે આવી વસ્તુઓને બજારમાં વિશેષ સ્થાન મળી રહ્યું છે.
જલ્પાબેન કહે છે કે અમારી જેમ અન્ય મહિલાઓ પણ ઘરેથી અલગ–અલગ મુખવાસ અથવા અન્ય ઘરેલું વસ્તુઓ બનાવી શકે છે. જો દરેક મહિલા પોતાના કુશળતાને કામમાં લે અને ઓનલાઇન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરે તો તેઓ આત્મનિર્ભર બની શકે છે.
આવી પહેલો મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં સહાયક બની રહી છે. ગૃહિણીઓ કે જેઓ ઘરકામ સાથે સાથે થોડો સમય કાઢે છે તેઓ નાના–નાના બિઝનેસ શરૂ કરી શકે છે. ગુંદરણ ગામની આ સફળતા વાર્તા અન્ય ગામોમાં પણ પ્રેરણા પૂરું પાડે છે.
ગામડાની મહિલાઓ આજે માત્ર ઘર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ પોતાના વિચાર અને કુશળતાથી સમાજને નવી દિશા આપી રહી છે. આ જ તો સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું સ્વરૂપ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai