મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ફોર યુ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી એજન્સી હેઠળ કામ કરતા 32 એટીવીટી ઓપરેટરો છેલ્લા પાંચ મહિનાથી પગાર વિના સેવા આપી રહ્યા છે. ઓપરેટરોમાં ઊંઝા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ ઓપરેટરોનો પણ સમાવેશ થાય છે.
માહિતી મુજબ, ઓપરેટરોને માસિક માત્ર 5000 રૂપિયા જેટલો પગાર આપવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી આ ઓછો પગાર પણ મળ્યો નથી, જેના કારણે તેમના ઘરમાં આર્થિક સંકટ ઊભું થયું છે. કેટલાક ઓપરેટરો છેલ્લા 10 વર્ષથી આ નોકરીમાં જોડાયેલા છે, છતાં આજે તેમને પરિવાર ચલાવવા માટે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ઊંઝા એટીવીટી સેન્ટરમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હાર્દિક પટેલે જણાવ્યું કે તેમને પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. તેમણે તાત્કાલિક પગાર ચૂકવવાની માગણી કરી છે. એજન્સી તરફથી અવગણના થતી હોવાથી ઓપરેટરોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
આ બનાવે ફરી એક વાર રોજગાર સુરક્ષા અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓની અસ્થીરતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ઓપરેટરો સરકાર અને તંત્રને વિનંતી કરી રહ્યા છે કે તેમના હિતોને સુરક્ષિત કરવા યોગ્ય પગલાં લેવાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR