પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેંધા ગામની સીમમાં ખેતરમાંથી એરંડા અને અજમાની બોરીઓની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. 55 વર્ષીય ખેડૂત શાંતુજી ઉર્ફે બાબાજી કુંવરજી લાહાજી ઠાકોરે ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 23 ઓગસ્ટની રાત્રે 8 વાગ્યાથી 24 ઓગસ્ટની સવારે 7:30 વાગ્યા વચ્ચે તસ્કરોએ ખેતરમાંથી પાકની ચોરી કરી હતી.
ફરિયાદ અનુસાર, તસ્કરોએ ખેતરમાંથી આશરે રૂ. 30,000ના કિંમતે અજમાની 20 બોરીઓ અને રૂ. 40,000ના એરંડાની 15 બોરીઓ મળી કુલ રૂ. 70,000ના પાકની ચોરી કરી હતી. એક જ રાતમાં આટલી મોટી ચોરી થતાં સેંધા અને આસપાસના ગામોમાં ખેડૂતવર્ગમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નચિહ્ન ઊભા થયા છે. ચાણસ્મા પોલીસ દ્વારા અજાણ્યા ચોરો સામે ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ