પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજ જલિયાણ સ્કૂલ ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી થઈ હતી અને આખું સ્કૂલ પરિસર માતાજીના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ રંગબેરંગી ગરબા અને ડાંડીયે રમ્યા હતા, જેનાથી લોકસંસ્કૃતિનો જીવંત અનુભવ થયો હતો.
જુનિયર અને સિનીયર વર્ગના વિદ્યાર્થીઓએ વિવિધ તાલ પર આકર્ષક ગરબા-ડાંડીયાની રજૂઆત આપી હતી. તેમની સુંદર પ્રસ્તુતિઓને શિક્ષકો અને વાલીઓએ તાળીઓ સાથે બિરદાવી. કાર્યક્રમમાં ચેરમેન મિતેશ ઠક્કર, ટ્રસ્ટી નિલેશ ઠક્કર, આચાર્ય નિતલ ભટ્ટ સહિત શિક્ષકવર્ગ અને વાલીઓએ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમી આનંદ માણ્યો.
કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ વેશભૂષા, શ્રેષ્ઠ ગરબા અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. તહેવારના અનુસંધાને વિદ્યાર્થીઓને નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું તથા ભારતીય સંસ્કૃતિ અને એકતાને જાળવી રાખવા માટે પ્રેરણા આપી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકમંડળ અને સ્ટાફનો ખાસ સહકાર રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ