મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા તાલુકાની પીલુદરા અનુપમ પગાર કેન્દ્ર શાળાના વયનિવૃત્ત શિક્ષક મંજુલાબેન પટેલના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, પરિશ્રમ અને સેવાભાવથી સેવા આપનાર મંજુલાબેનના જીવનપ્રવાસને આ અવસરે સૌએ યાદ કર્યો.
કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મંજુલાબેનના કાર્યકાળની યાદગાર ક્ષણો વહેંચી હતી અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ માત્ર શિક્ષણ આપ્યું નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આત્મવિશ્વાસ અને જીવન મૂલ્યોનું સિંચન કર્યું હતું.
સમારંભ દરમિયાન મંજુલાબેનને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને આરોગ્યદાયક અને સુખદ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
વિદાય સમારોહ ભાવનાત્મક બની ગયો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મંજુલાબેન પણ સૌનો આભાર વ્યક્ત કરતા ભાવવિભોર થયા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR