સોમનાથ, 27 સપ્ટેમ્બર (હિ.સ.) માતા શક્તિની ભક્તિના પર્વ નવરાત્રીના આગમનને વધાવવા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમ્યાન સોમનાથ મંદિર નજીક ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ત્રિ-દિવસીય મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયિકા સુશ્રી મેઘા ભોસલે અને વડોદરાના સુપ્રસિદ્ધ ઓમકાર કલા વૃંદના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે.
આદ્યશક્તિની આરાધનાના આ પાવન પર્વ નિમિત્તે, પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાનાર આ ગરબા ઉત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં પરંપરાગત ગરબા, રાસ અને દાંડિયારાસની ધૂમ મચશે.
નવલા નોરતામાં સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓ માટે આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ પારંપરિક માતાજીના ગરબા અને સ્તુતિઓ અને પારંપરિક ગરબા અને રાસ નૃત્ય રહેશે.
આમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ સોમનાથ પધારનાર યાત્રીઓ અને સ્થાનિક ખેલૈયાઓ માટે એક અવિસ્મરણીય લહાવો બની રહેશે. ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ ભક્તિ અને ઉલ્લાસના ત્રિવેણી સંગમમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ