પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાતના શંખેશ્વર મહાતીર્થે આવેલા જહાજ મંદિર એન્કારવાલા ધામ ખાતે શાસન રક્ષક માણિભદ્ર વીર દાદાના અવતરણ દિન નિમિત્તે 1008 આહુતિયુક્ત મહાપૂજન અને હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુનિરાજ પૂણ્યરત્ન મહારાજ તથા મુનિરાજ નયશેખર મહારાજની પાવન નિશ્રામાં આ ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યોજાયો હતો.
આ હવનનો લાભ સ્વ. રંજનબેન ધનજીભાઈ ભાણજી દેઢિયા અને સ્વ. વિનોદ ધનજી ભાણજી દેઢિયા પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. કવિતાબેન કુલીનભાઈ દેઢિયા, પુત્ર-પુત્રવધૂ જીત-શ્રીયા તથા પુત્ર કેવિન (મૂળ ગામ: કચ્છ-કોડાય, હાલ: મલાડ-મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા.
હવન દરમિયાન ચંદન-સુખડના લાકડા, વિશિષ્ટ ઔષધ યુક્ત ગોળીઓ, સમીધા અને ઘી સહિતની આહુતિઓ 1008 મંત્રોચ્ચાર સાથે અર્પણ કરવામાં આવી હતી. હવન સમાપ્ત થયા પછી મોટી શાંતિનો પાઠ અને નારિયેળનો ગોળો હોમવામાં આવ્યો હતો અને આરતીની ભક્તિમય લહેર સાથે વિધિ પૂર્ણ કરાઈ હતી.
પ્રસંગે મુનિ નયશેખર મહારાજે દાદાના મહિમાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે, માણિભદ્ર દાદાની આરાધનાથી તાત્કાલિક ફળ મળે છે. દાદા પ્રત્યક્ષ અને હાજરહજુર છે. તેમનું પિંડ મગરવાડા, ધડ આગલોડ અને મસ્તક ઉજ્જૈનમાં પૂજાય છે. ગુરુવાર અને રવિવાર તેમના મુખ્ય ઉપાસના દિવસો છે. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતની પ્રમુખ હેતલબેન ઠાકોર, શંખેશ્વરના પી.આઈ. અરુણાબેન પટેલ, ગુરુભક્ત પરેશભાઈ શાહ તથા જૈનેન્દ્ર જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમરત્ન માનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારની અનુમોદના કરવામાં આવી હતી. મુંબઈ, અમદાવાદ, કચ્છ, પાટણ અને બનાસકાંઠા સહિતના અનેક વિસ્તારોમાંથી ભાવિકોએ ઉપસ્થિત રહી પૂજન-હવનનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ