- રાજકોટમાં રિજનલ બાયો ટેકનોલોજી પોલિસી કોન્કલેવમાં બાયો ટેક. ફિલ્ડની તકો અંગે તજજ્ઞો દ્વારા અપાયું માર્ગદર્શન
રાજકોટ,27 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો વગેરે જોડાયા હતા અને બાયો ટેકનોલોજી ક્ષેત્રના વ્યાપ, અવસરો અને પડકારો અંગે મંથન કર્યું હતું. જેમાં ગુજરાત સરકારની રિજનલ બાયો ટેકનોલોજી પોલિસી રાજકોટના ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર સમાન ગણાવાઈ હતી. આ કોન્કલેવમાં બાયો ટેક ફિલ્ડની ઉજ્જવળ તકો અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કોન્કલેવના આરંભે સાંસદ રામ મોકરિયાએ કહ્યું હતું કે, રાજકોટમાં ઉત્પાદિત થતા એન્જિનિયરિંગ ગુડ્સ વિશ્વના દેશમાં પહોંચી રહ્યા છે, ત્યારે બાયો ટેક્નોલોજી ફિલ્ડમાં પણ રાજકોટના ઉદ્યોગકારોને આગળ આવવા અને રોજગારી સર્જન સાથે દેશના જીડીપીમાં યોગદાન આપવા તેમણે આહવાન કર્યું હતું.
જ્યારે ધારાસભ્ય રમેશ ટીલાળાએ કહ્યું હતું કે, બાયો ટેકનોલોજી ફિલ્ડનું ભવિષ્ય ખૂબ સારું છે અને તેમાં પુષ્કળ તકો છે. જો કે આ અંગે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અજાણ છે. આથી ઉદ્યોગકારો આ પોલિસીને જાણીને આ ક્ષેત્રમાં આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપે તે જરૂરી છે.
આ તકે જી.એસ.બી.ટી.એમ.ના મિશન ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ રિજનલ બાયો ટેકનોલોજી પોલિસીની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં રૂ. 332 લાખ કરોડની બાયો ઇકોનોમી છે. જ્યારે ભારતમાં રૂ.13.76 લાખ કરોડની બાયો ઈકોનોમી છે અને તેનું જીડીપીમાં 4.25 ટકા યોગદાન છે. ગુજરાતમાં રૂ.1.07 લાખ કરોડની બાયો ઇકોનોમી છે, જે દેશમાં ચોથા ક્રમે છે, જ્યારે દેશની બાયો ઇકોનોમીમાં 7.8 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં બાયો ફાર્મા રૂ.42,200 કરોડ, બાયો એગ્રીકલ્ચર રૂ.33,700 કરોડ (જે દેશના બાયો ઇકોનોમીના 30 ટકા છે), બાયો ઇન્ડસ્ટ્રીયલ રૂ.30,000 કરોડ અને બાયો સર્વિસિસ રૂ.1000 કરોડની ઈકોનોમી ધરાવે છે.
ઉદ્યોગકારોને સરકાર તરફથી મળતી સહાય અંગેની વિગતો તેમણે રજૂ કરી હતી. એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, રૂ.100 કરોડના રોકાણ સામે પાંચ વર્ષમાં વિવિધ પ્રકારે રૂ.85 કરોડની સહાય સરકાર દ્વારા આપવામાં છે. જેમાં કેપિટલ સબસિડીમાં 25 ટકા લેખે રૂ.25 કરોડ, વ્યાજ સબસિડીમાં 7 ટકા લેખે રૂ. 35 કરોડ, ઓપરેશનલ સબસિડીમાં 15 ટકા લેખે રૂ.25 કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્યારે વીજળી ડ્યુટી, ઈ.પી.એફ. અને ઈ.જી.આઈ.માં કોઈ ટોચ મર્યાદા નથી. આ ફિલ્ડમાં ઉદ્યોગકારો, શિક્ષણ તેમજ સંશોધન ક્ષેત્ર ઉત્તમ તકો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ તકે ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ અને બાયોલોજિસ્ટના પ્રમુખ પ્રોફેસર અનામિક શાહે સૌરાષ્ટ્રમાં બાયો ટેક્નોલોજી માટે એમ.એસ.એમ.ઈ.ના વિકાસનો રોડમેપ રજુ કર્યો હતો. રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇડસ્ટ્રીના પ્રમુખ શ્રી રાજીવ દોશીએ મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. જ્યારે રિજનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. સુમિત વ્યાસે બાયો ટેક્નોલોજી અંગે સમજ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ