મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના વડોસણ ગામમાં કુટુંબકલહના કારણે ગંભીર બનાવ બન્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીની મજૂરીની બે લાખ રૂપિયાની કમાણી જાણ બહાર વાપરી નાખતાં ઘરમાં તણાવ સર્જાયો હતો. માહિતી અનુસાર, પત્નીએ મજૂરી કરીને કમાવેલા રૂપિયા સુરક્ષિત રાખવા માટે ખાતામાં મુક્યા હતા, પરંતુ પતિએ ગુપ્ત રીતે તે ખાતું ખાલી કરી નાખ્યું.
પત્નીને આ વાતની જાણ થતાં તેણે પતિને ઠપકો આપ્યો. આ જ બાબતે તણાવ વધતાં પતિએ ગુસ્સામાં આવી કુહાડીથી પત્ની પર હુમલો કર્યો. કુહાડીના ઘા લાગતાં પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત પત્નીએ હિંસક વર્તન કરનાર પતિ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે ગામમાં ચકચાર મચી ગઈ છે અને કુટુંબમાં આટલો ગંભીર વિવાદ સર્જાતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે આરોપીને ઝડપવા માટે પગલાં લેવાઈ રહ્યા છે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવ ઘરેલુ હિંસાના એક ગંભીર ઉદાહરણ તરીકે સામે આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR