જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના સુવરડા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા હેમંત ભનાભાઈ લોખિલ નામના રીક્ષા ચાલક યુવાને પોતાના માથા ઉપર તેમજ છાતીના ભાગે અને પગમાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકા પડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે વિમલ મહેશભાઈ નાખવા, ધવલ મહેશભાઈ નાખવા અને વિમલના એક કુટુંબી ભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે.
આરોપીઓ પોતાની કાર લઈને ફુલ સ્પીડમાં જતા હોવાથી રીક્ષાચાલકે ધીમી કાર ચલાવવા બાબતે ઠપકો આપતાં આરોપીઓને માઠું લાગી આવ્યું હોવાથી આ હુમલો કરી દીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. પંચકોશી એ-ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ.લાંબરીયા અને તેઓના અન્ય પોલીસ સ્ટાફે આ મામલામાં બે હુમલાખોર આરોપીઓ વિમલ નાખવા તથા ધવલ નાખવાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી લોખંડનો પાઈપ અને લાકડાનો ધોકો વગેરે કબજે કરી લીધા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt