મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં નવરાત્રી પર્વને સમાજના તમામ વર્ગો સુધી પહોંચાડવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું. મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલા બ્લિસ વોટર પાર્ક ખાતે એકવીરા ગ્રુપ દ્વારા આયોજિત રંગ તરંગ નવરાત્રી મહોત્સવમાં દિશા સ્કૂલના દિવ્યાંગ બાળકોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દિવ્યાંગ બાળકો પણ સામાન્ય ખેલૈયાઓની જેમ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા. તેમની ખુશી અને આત્મવિશ્વાસથી ભરપૂર રજૂઆત જોઈને સમગ્ર પરિસર ગૂંજી ઊઠ્યું હતું. આ ક્ષણે બાળકોના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ હતી, જે નવરાત્રીના પર્વને વધુ યાદગાર બનાવી ગઈ.
કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને તેમના આનંદમાં સહભાગીતા નિભાવી હતી. તેમની હાજરીથી બાળકોને પ્રોત્સાહન મળ્યું અને સમાજમાં સર્વસમાવેશી ઉજવણીનો સંદેશ પ્રસરી ગયો.
આવો અનોખો કાર્યક્રમ માત્ર ઉત્સવની ખુશી જ નહીં, પરંતુ સમાજમાં સમાનતા, સ્વીકાર અને એકતાનો મજબૂત સંદેશ આપે છે. રંગ તરંગ નવરાત્રી મહોત્સવમાં જોવા મળેલી આ અનોખી ઝલક દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાદાયક સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR