જામનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ખાતે 'નિર્મળ ગુજરાત એવોર્ડ' અને રૂ. 1.25 કરોડનો ચેક જામનગરના પદાધિકારીઓને અર્પણ કર્યો હતો. આ એવોર્ડ સમારોહમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, જે મહાનગરપાલિકાઓ સ્વચ્છતામાં ઉત્કૃષ્ટ કામગીરી કરશે તેમને સન્માનિત કરવામાં આવશે. 'સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત' હેઠળ જામનગર મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવીને આ એવોર્ડ અપાયો છે.
જામનગર મહાનગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી કચરાના નિકાલની ઝુંબેશને ગતિશીલ બનાવી રહી છે. જોકે, વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ બંધ થયા બાદ ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ પર કચરાના ઢગલા એક પડકારરૂપ સ્થિતિ છે. તેમ છતાં, એકંદરે સ્વચ્છતા કામગીરી સારી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, શહેરોને સ્વચ્છ રાખવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને 'નિર્મળ ગુજરાત એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે તમામ વિજેતા પાલિકાઓ અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત 'સ્વચ્છ ભારત મિશન'ની ચિંતન શિબિરનું પણ આયોજન થયું છે, જેનાથી વિચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન શહેરોને વધુ સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે. તેમણે સ્વચ્છતાને સૌનો અને સમગ્ર વહીવટીતંત્રનો સ્વભાવ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીના સ્વચ્છતાના મંત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કાર્યમંત્ર બનાવ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશનથી દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt