પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)આગામી 30 સપ્ટેમ્બર 2025 ના રોજ પરંપરાગત ધાર્મિક તહેવાર પુંજની ઉજવણી બળેજ ગામે કરવામાં આવનાર છે. આ તહેવારની ઉજવણી અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારનાં બળેજ ગામ ખાતે ખુબ જ મોટા પ્રમાણમાં (અંદાજીત 1 લાખ જેટલા લોકો) રબારી સમાજના બહેનો/ભાઇઓ એકઠા થઇ ધાર્મિક વિધિ કરી આ મહોત્વની ઉજવણી કરતા હોય છે.
આ પુંજ મહોત્સવ નિમિતે પોરબંદર જિલ્લાના તથા આસપાસના વિસ્તારો તથા નજીકના જિલ્લાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં રબારી સમાજના યાત્રાળુ/શ્રધ્ધાળુઓ આ મહોત્સવમાં પધારવાની શક્યતા રહેલી છે. આ પુંજ મહોત્સવના સ્થળની બાજુમાં નેશનલ હાઇવે રોડ પસાર થતો હોય, તેમજ પુંજ મહોત્સવના સ્થળે અગાઉ રાયોટીંગનો બનાવ બનેલ હોય જેથી ટ્રાફિક વ્યવસ્થા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે સંલગ્ન રસ્તેથી ડાઇવર્ઝન જાહેર કરવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાં અનુસાર માંગરોળ તરફથી આવતા તમામ વાહનો મોચા થી કડછ, બગસરા, અમીપુર, મૈયારી, કાંસાબડ, સેગરસ, પસવારી થઈ કુતિયાણા બાયપાસ થઇ નેશનલ હાઇવે સુધી તેમજ પોરબંદર જુનાગઢ તરફથી આવતા તમામ વાહનો કુતિયાણા બાયપાસ નેશનલ હાઇવેથી પસવારી, સેગરસ, કાંસાબડ, મૈયારી, અમીપુર, બગસરા, કડળ થી મોચા તરફ જવાનું રહેશે.
પોરબંદરથી આવતા ફોરવ્હીલ વાહનો દુધી સીમ કાચા રસ્તેથી બળેજ ગામના બસ સ્ટેશન થઇ ટોંડારા પાટીયા તરફ અને માંગરોળ, માધવપુર તરફથી આવતા ફોરવ્હીલ વાહનો ટોંડારા પાટીયા થઈ બળેજ ગામના બસ સ્ટેશન થઇ દુધી સીમ કાચા રસ્તેથી પોરબંદર તરફ જવાનું રહેશે.
પોરબંદર તરફથી આવતા ફોરવ્હીલ વાહનો બળજે ગામ હાઇવે રોડ ગોકુળ ડેરી સામેથી માધવપુર તરફ તેમજ માધવપુર તરફથી આવતા ફોરવ્હીલ વાહનો બળેજ ગામ હાઇવે રોડ કોસ્ટલ આઉટપોસ્ટ પાસેથી કાચા રસ્તે થઇ ગોકુળ ડેરી બળેજ ગામ હાઇવે રોડ ઉપરથી પોરબંદર તરફ જવાનું રહેશે.
માધવપુર તરફથી આવતા ફોરવ્હીલ વાહનો મોચા થી કડછ બગસરા, અમીપુર, મૈયારી, ગરેજ, ચીકાસા થઇ નેશનલ હાઇવે સુધી તેમજ પોરબંદર તરફથી આવતા ફોરવ્હીલ વાહનો ચીકાસા થી ગરેજ, મૈયારી, અમીપુર, બગસરા, કડછ, મોચા થઇ નેશનલ હાઇવે તરફ જવાનું રહેશે.
આ જાહેરનામું તા.30/09/2025ના ક.10.00થી તા.01/10/2025ના ક.12.00 દરમિયાન અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya