મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણામાં નવરાત્રિના ઉત્સવની મોજ મસ્તી વચ્ચે તસ્કરો સક્રિય થતા ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રાધનપુર રોડ પર આવેલા ગુડલક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા મહોત્સવમાં એક દંપતી પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને આવ્યા હતા. પરંતુ ગરબા રમીને પરત ફરતા તેમને મોટું આઘાત લાગ્યું, કારણ કે તેમનું પાર્ક કરેલું સ્કૂટર અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયું હતું.
માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના રાધનપુર ચોકડી પાસે રહેતા પટેલ અક્ષયભાઈ પોતાની પત્ની સાથે 23 સપ્ટેમ્બર 2025ની રાત્રે ગુડલક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં ભાગ લેવા ગયા હતા. રાત્રે સાડા બાર વાગ્યે જ્યારે તેઓ ગરબા રમીને બહાર આવ્યા ત્યારે પાર્કિંગ વિસ્તારમાં રાખેલું તેમનું ઇલેક્ટ્રિક સ્કૂટર (નંબર GJ-02-ME-2822) ત્યાં હાજર નહોતું. દંપતીએ તરત જ આસપાસ તપાસ કરી, પરંતુ સ્કૂટરનો કોઈ પત્તો ન લાગતાં આખરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરાઈ છે જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. નવરાત્રિના પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો ગરબા મહોત્સવ માણવા નીકળે છે, તે દરમિયાન પાર્કિંગ વિસ્તારોમાં સુરક્ષા અને દેખરેખમાં ખામીઓનો મુદ્દો ફરી ચરચામાં આવ્યો છે.
સ્થાનિક લોકોએ પોલીસને વિનંતી કરી છે કે આવા મેળાવડા અને ઉત્સવો દરમિયાન પાર્કિંગ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવે જેથી લોકો નિર્ભય બની તહેવારોની મજા માણી શકે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે તસ્કરોને જલ્દી જ ઝડપીને ચોરી ગયેલું સ્કૂટર મૂળ માલિકને પરત અપાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR