પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં શ્રીહરિ મંદિરમાં બીજા, ત્રીજા અને ચોથા નોરતે માતાજીની પાલખીયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. શ્રીહરિ મંદિરમાં બીજા નોરતે સાયં આરતી બાદ સીતાજીની ઉત્સવ મૂર્તિને પાલખીમાં પધરાવીને પૂજ્ય ભાઈશ્રી, મુખ્ય મનોરથી પરિવાર તથા અનુષ્ઠાનમાં આવેલા ભાવિકોની ઉપસ્થિતિમાં મા સીતાજીની પંચોપચાર પૂજા, આરતી અને સંકીર્તન સાથે શ્રીહરિમંદિરના પ્રદક્ષિણા માર્ગમાં પાલખીયાત્રા સંપન્ન કરવામાં આવી હતી.આ સાથે સાથે ત્રીજા નોરતે લક્ષ્મીજીની તેમજ ચોથા નોરતે મા પાર્વતીજીની પાલખીયાત્રા સંપન્ન કરવામાં આવી હતી. શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં આવેલા ભક્તજનોની સાથે પોરબંદર શહેરમાંથી આવેલા દર્શનાર્થીઓ પણ માતાજીની પાલખીયાત્રામાં ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન શ્રીહરિ મંદિરમાં પાંચમાં નોરતે સાયં આરતી થયા બાદ શ્રીરાધાજીનો પુષ્પાભિષેક સંપન્ન કરાયો હતો.
પૂજ્ય ભાઈશ્રી તથા મુખ્યમનોરથી પરિવાર દ્વારા શ્રીરાધાજીની ઉત્સવ મૂર્તિ પર વિવિધ પુષ્પો વડે વિધિપૂર્વક અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ આરતી સંપન્ન કરવામાં આવી હતી. અનેક ભાવિકોએ આ પુષ્પાભિષેક દર્શનનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya