પાટણ, 27 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર, વાળીનાથ ચોક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને નવરાત્રિના પાવન પર્વ દરમ્યાન હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું છે, જેના કારણે તેમને ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે.
આ કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ ગઈ છે અને રોગચાળો ફાટી નીકળવાની ભયંકર શક્યતા જણાઇ રહી છે. પાર્થ રેસીડેન્સી, ગોવર્ધન, મંગલમૂર્તિ, પાનેશ્વર, વ્રજ એક્ઝોટિકા સહિત વીસથી વધુ સોસાયટીઓના હજારો લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. વાહનચાલકો અને રસ્તા પસાર થનારા લોકો માટે આ સ્થિતિ ખુબજ મુશ્કેલ બની ગઈ છે.
સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવાના છતાં પણ પાંચ દિવસથી કોઈ સકારાત્મક પગલું લેવામાં આવ્યું નથી. આ બાબતે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાની બેદરકારીની આક્રોશપૂર્વક નિંદા કરી છે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ