પોરબંદર, 27 સપ્ટેમ્બર (હિ.સ.)કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારોમાં મંત્રીએ પ્રશ્નો અને સમસ્યાઓની વિગતવાર માહિતી મેળવી હતી.
મંત્રીએ ખાસ કરીને પોરબંદર શહેરના ચુના ભઠા વિસ્તારમાં આવેલી જૂની રેલવે લાઇનનું નિરીક્ષણ કરીને તેના પુનઃઉપયોગ, પુનઃવિકાસ તથા આસપાસના વિસ્તારોમાં જનહિતના કાર્યો કેવી રીતે હાથ ધરવામાં આવે તે અંગે જરૂરી માહિતી મેળવી હતી.સાથે જ સુભાષનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ હેઠળના જેટીના કાર્ય નિરીક્ષણ કરીને તટીય વિસ્તારોના માછીમારોને સુવિધા મળે તે દૃષ્ટિએ આગામી સમયમાં વિકાસ કાર્યો હાથ ધરવા અંગે સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, , જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ સહિત જિલ્લા તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તથા જનસામાન્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya