મહેસાણા, 27 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગર તાલુકાના ચિત્રોડા મોટા ગામમાં એક યુવક પર આઠ શખ્સોએ મળીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, કુકસ મેળામાંથી વેપાર પૂર્ણ કરીને પરત ફરી રહેલા કિશોરકુમાર દેવીપૂજક પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
આ બનાવ 23 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના સમયે બન્યો હતો. કિશોરકુમાર પોતાના ઘર તરફ છકડો હંકારીને જઈ રહ્યા હતા, ત્યારે ગામના કેટલાક લોકોએ તેમના ઘર આગળથી છકડો ચલાવવા અંગે રોકટોક કરી હતી. ત્યારબાદ વાદવિવાદ વધતાં સુનિલભાઈ દિનેશભાઈ, રાહુલભાઈ દિનેશભાઈ, શૈલેષભાઈ દશરથભાઈ, દશરથભાઈ જ્યંતીભાઈ, દિનેશભાઈ ઇશ્વરભાઈ, રીતુલભાઈ બાબુભાઈ, હરેશભાઈ બાબુભાઈ અને બાબુભાઈ જયંતીભાઈ દેવીપૂજક સહિત આઠ શખ્સોએ મળીને કિશોરકુમાર પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં કિશોરકુમારને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધાવી અને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં તપાસ ચાલુ છે.
ગામમાં બનેલી આ ઘટનાને કારણે લોકોમાં તણાવ અને ચિંતા ફેલાઈ છે, જ્યારે સ્થાનિકોએ પોલીસને સુરક્ષા વધારવાની માગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR