પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં લગભગ 35 કરોડ રૂપિયાના નાણાકીય કૌભાંડની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી રોહિતભાઈ ગંગારામભાઈ પરમારના અંગત દસ્તાવેજોનો ઉપયોગ કરીને અમદાવાદની આઈડીબીઆઈ બેંકમાં 'ઉમિયા ટ્રેડિંગ' નામે પેઢી ખોલવામાં આવી હતી, જેમાં તેમને જ પેઢીધારક તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ફરિયાદી વિના જાણકારી તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ખોટું કરંટ ખાતું ખોલાઈ અને તેમાં 2020થી 2021 વચ્ચે કરોડો રૂપિયાનાં વ્યવહારો કરાયા હતા.
મૂળ કેસ વર્ષ 2020થી શરૂ થયો હતો, જયારે ફરિયાદીના પિતાને લોનની જરૂર હતી. તે સમયે શંકર દેસાઈ નામના ગામના પરિચિતએ લોન મળે તેવી લાલચ આપી, તેમનું ભરોસાપાત્ર જણાવીને આરોપી તેમને અમદાવાદ લઈ ગયો હતો. ત્યાં તેઓના આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો લેવામાં આવ્યા અને તેમના નામે ખોટું વ્યાપારિક ખાતું ખોલવામાં આવ્યું. ફરિયાદી પાસેથી એક નવું સિમ કાર્ડ પણ લેવામાં આવ્યું.
આ કરંટ ખાતું લગભગ દસ મહિનાઓ સુધી સક્રિય રહ્યું અને તેમાં કુલ રૂ. 36 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા હતા. ફરિયાદીને ત્યારે જાણ થઇ જ્યારે 2025માં તેમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી. નોટિસ મળ્યા બાદ તેમણે શંકર દેસાઈનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપીએ પોતાની ભૂલ કબૂલી હતી અને એક નોટરી કરેલી સ્ટેમ્પ પેપર પર દંડ ભરવાની અને જવાબદારી પોતાની ગણાવવાની લેખિત સ્વીકૃતિ આપી હતી.
ફરિયાદીને પોતાના જીવને જોખમ હોવાનું શંકા વ્યક્ત કરતાં પોલીસમાં વધુ સાવચેતી રાખવા રજૂઆત કરવામાં આવી છે. પાટણ એસ.પી. કચેરીમાં અરજીના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં શંકર દેસાઈ, ઠક્કરભાઈ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો છે. કેસની વધુ તપાસ હારીજ પોલીસના પીઆઈ નરસિંહકુમાર અમૃતલાલ શાહને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ