જૂનાગઢ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): જૂનાગઢ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૬૯મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધા સીટી સ્પોર્ટ્સ ક્લબ, જૂનાગઢ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાતના દરેક જિલ્લાના ૫૦૦થી વધુ ખેલાડીઓએ પોતાનું કૌવત દાખવ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ, ચંદુ મકવાણા, ઉપાધ્યક્ષ ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત ડો. એમ.પી.તાળા, નીલેશ સોનારા, હેડકોચ ધવન પટેલ, ભૂષણ કુમાર યાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા પ્રમુખ સી.એમ. મકવાણા સહિતનાઓએ ખેલાડીઓ સાથે કબડ્ડી રમી સૌને અચંબિત કર્યા હતા. ધારાસભ્ય સંજય કોરડીયાએ નેતુત્વ અને સંઘભાવનાની કેળવણી કરતી આ ભારતીય સંસ્કૃતિની ધરોહરસમી પરંપરાગત કબડ્ડી રમતને બાળકોના જીવન માટે ખુબ જ મુલ્યવાન ગણાવી હતી. આ સ્પર્ધા તા.૩૦ સપ્ટેમ્બર સુધી યોજાશે. જેમાં ગુજરાતભરના તમામ જિલ્લાની કુલ ૧૨૦ જેટલી ટીમો ભાગ લેશે. રાજ્યકક્ષા કબડ્ડી સ્પર્ધાના સફળ આયોજન માટે જિલ્લા રમત ગમત અધિકારી મનીષ જીલડીયા અને તેમની ટીમ સાથે જિલ્લા વ્યાયામ મંડળ પ્રમુખ જીગ્નેશ ચાવડા, ભેટારિયા સહિતના વ્યાયામ શિક્ષકો,કોચ,ટ્રેનર દ્વારા ખુબ જ જહેમત ઉઠાવવામાં આવી છે. જે અંગે જિલ્લા રમત ગમત અધિકારી, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ