પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના કમલીવાડા ગામના બસ સ્ટેશન નજીક ઊમિયા કૃપા નામની દુકાનમાં સંજયભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર 40) બિનમેડિકલ ડિગ્રી વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો પકડાયો હતો. તે દર્દીઓને તપાસ કર્યા વિના એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો હતો.
સંજયભાઈ દ્વારા કરવામાં આવતી આ છેતરપિંડીમાં દર્દીઓની તબીબીના સર્ટિફિકેટ વિના સારવાર કરવામાં આવતી હતી. બાલિસણા પોલીસે તેની ધરપકડ કરીને તેના પાસેથી ₹6,945.27 કિંમતના દવાઓ, ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો જપ્ત કર્યા.
બાલિસણા પોલીસ મથકે સંજયભાઈ પટેલ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 હેઠળ ગુનો નોંધાયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ