જુનાગઢ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા મળેલી સંકલનની ધારાસભ્ય સંજય કોરડીયા તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરએ જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં. આ બેઠકમાં દબાણ, ગૈાશાળા, ગેરકાયદેસર રેતીની ચોરી, રોડ રસ્તા રીપેરીંગ, માપણી, જમીન, વિકાસલક્ષી કામો, માર્ગ અને મકાન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
આ બેઠક બાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની પણ જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પીએમ સૂર્ય ઘર યોજનાની પ્રગતિની સમીક્ષા કલેક્ટર એ કરી હતી. તેમજ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જીપીએસસી અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ બંને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ પરીક્ષાને સફળ બનાવવા શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને કલેક્ટર ના હસ્તે સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત તાજેતરમાં બનાસકાંઠામાં ઘાસચારો મોકલવા અંગેની કામગીરીમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરના હસ્તે બીરદાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ