પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના છીંડીયા દરવાજા બહાર આવેલી યશનગર સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી નવરાત્રી પર્વ ઊજવણી ધામધૂમથી થાય છે. સોસાયટીના પ્રમુખ કુબેરભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, ચૌધરી સમાજ સહિત સર્વ સમાજના લોકો અહીં ભાઈચારા અને સામાજિક સમરસતાથી રહે છે અને એકતા સાથે ગરબામાં ભાગ લે છે. અહીં માત્ર નવરાત્રી નહીં, પરંતુ તમામ તહેવારો સહકારભરી ભાવનાથી ઉજવવામાં આવે છે.
સોસાયટીના રહીશો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત પહેરવેશમાં માતાજીની આરાધનામાં ગરબે ઘૂમે છે. સોનાના ઘરેણાં, ભરતકામવાળા પોશાકો અને દેશી કળાનો ભવ્ય દર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિના આ આંગણામાં શહેરની આધુનિકતા અને પશ્ચિમીકરણ વચ્ચે પણ સંસ્કાર અને પરંપરા જીવંત રાખવામાં આવે છે.
રહિશ ભારતીબેન ચૌધરી જણાવે છે કે માતાજીની આરાધનામાં પરંપરાગત વસ્ત્રોનું અને વંશ પરંપરાના ઘરેણાંનું વિશેષ મહત્વ છે. જ્યારે રમીલાબેન જોશી કહે છે કે ભલે અમે શહેરમાં વસીએ છીએ, છતાં અમારા તહેવારો અને રીત-રિવાજો સમગ્રતઃ ગ્રામીણ પરંપરાનાં અનુસંધાનમાં ઉજવીએ છીએ. આ રીતે યશનગર સોસાયટી માત્ર ઉજવણીનું પણ સંસ્કૃતિ જાળવણીનું એક જીવંત ઉદાહરણ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ