પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ વિવિધ રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થઈ ખેલૈયા બન્યા હતા અને ગરબાની મોજ માણી હતી. શાળાનું સમગ્ર પરિસર ભક્તિભાવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.
વિદ્યાર્થીઓએ પરંપરાગત તથા આધુનિક શૈલીના ગરબાઓ રમીને ઉત્સવને વધુ ઉજાસમય બનાવ્યો હતો. શિક્ષકો અને શાળા સ્ટાફના સભ્યોએ પણ આ ભવ્ય ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. તમામના સહભાગીત્વે નવરાત્રી મહોત્સવ વધુ માણવાલાયક બન્યો.
નવરાત્રી એ મા અંબાના પરાક્રમ અને વિજયનું પવિત્ર પર્વ છે. માર્કંડેય પુરાણ મુજબ દેવી અંબાએ મહિષાસુર જેવા અસુરોનો વધ કરી આસુરી શક્તિનો નાશ કર્યો હતો. આ દિવ્ય વિજયની યાદમાં નવ દિવસ સુધી નવરાત્રી મહોત્સવ ઉજવાય છે, બાળકોને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરવાનું મહત્વ જણાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ