પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના ઐતિહાસિક ગુર્જરવાડા મહોલ્લામાં નવરાત્રી દરમિયાન રમાતો દોરી ગરબો આજના આધુનિક યુગમાં પણ તેની જુની પરંપરા જાળવી રાખે છે. ડીજે અને પાર્ટી પ્લોટના ઝગમગાવતા ગરબાઓ વચ્ચે પણ આ લોકગમતી પરંપરા યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુર્જરવાડાના ખેલૈયાઓ લોકગીતો અને ડીજે મ્યુઝિકની સાથે આ દોરી ગરબાને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે.
દોરી ગરબો સામાન્ય રીતે 8, 12, 16 કે 24 દોરીનો હોય છે. મધ્યમાં એક લોખંડનું કડું ગોઠવવામાં આવે છે, જેમાંથી દોરીઓ ઊંચાઈથી નીચે ઉતરતી હોય છે. દરેક ખેલૈયા એક દોરી પકડીને ભાતાં ભાતાં ગોળમાં ફરતો જાય છે. અડધા ખેલૈયાઓ જમણા અને અડધા ડાબા હાથમાં દોરી પકડીને અંદર અને બહાર તરફ ફરતા જાય છે, જેથી એક સુંદર ગુંથણી તૈયાર થાય છે.
આ ગુંથણી દોરી ગરબાની ખાસ ઓળખ છે. એકદમ ચોક્કસ ગણતરી અને તાલમેલથી ગરબા રમાય ત્યારે અંતે દોરીની અત્યંત ભવ્ય અને સમરૂપ ગુંથણી તૈયાર થાય છે. આ ગુંથણી ફરીથી છોડવા માટે પણ અલગ ગરબો રમવો પડે છે, જેના અંતે દોરી ફરીથી પહેલાં જેવી થઈ જાય છે.
આ પરંપરાગત દોરી ગરબો માત્ર રમતમાં જ નહીં પરંતુ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને સહકારની ભાવના માટે પણ એક મજબૂત નિમિત્ત બની રહે છે. આજના યુવાનો માટે, જે ડાન્સ ક્લાસમાંથી નવનવા સ્ટેપ્સ શીખીને આવે છે, તેમના માટે દોરી ગરબો રમવો પડકારરૂપ હોય છે. પરંતુ વર્ષોથી રમતા ખેલૈયાઓ માટે એ સહજ અને આનંદદાયક અનુભવ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ