અમરેલી, 28 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેરકાયદેસર વન્ય પ્રાણી સંબંધિત પ્રવૃત્તિઓ સામે મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં વરસડા ગામ પાસે પોલીસે વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો મોટો જથ્થો ઝડપી પાડી એક ઈસમને કાબૂમાં લીધો હતો. ઝડપાયેલ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 2 કરોડ 19 લાખ 90 હજાર રૂપિયાની હોવાનું બહાર આવ્યું છે.
એસઓજીના પીઆઈ આર.ડી. ચૌધરી અને તેમની ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે અમુક વ્યક્તિ ગેરકાયદેસર રીતે વ્હેલ માછલીની ઉલટીનો સોદો કરવા જઈ રહ્યો છે. આ આધારે પોલીસે વરસડા ગામના બસ સ્ટેન્ડ પાસે ચેકિંગ હાથ ધર્યું. ત્યાં શંકાસ્પદ હાવભાવ સાથે એક ઈસમ મળી આવ્યો. પોલીસે તેની તલાશી લીધી ત્યારે તેના પાસે નાના-મોટા એમ કુલ 40 ટુકડાઓમાં 2.199 કિલોગ્રામ વજનની વેલ માછલીની ઉલટી મળી આવી.
વ્હેલ માછલીની ઉલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં એમ્બરગ્રીસ કહેવામાં આવે છે, તેનો ઉપયોગ વિદેશોમાં મોંઘી પરફ્યુમ ઈન્ડસ્ટ્રીમાં થાય છે. આ પદાર્થ એટલો કિંમતી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની માંગ ઊંચી હોય છે. ભારતીય કાયદા મુજબ તેની હેરાફેરી અને વેચાણ ગુનો ગણાય છે, કારણ કે તે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદાના દાયરા હેઠળ આવે છે.
ઝડપાયેલા આરોપીનું નામ રવિ નરેશભાઈ ભાસ્કર (રહે. ભાવનગર) હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે કબૂલ કર્યું કે તે આ જથ્થો બગસરા વિસ્તારમાં વેચાણ કરવા લઈ જઈ રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વ્હેલ માછલીની ઉલટી સિવાય એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ પણ ઝડપી પાડી છે. કુલ મળીને રૂ. 2 કરોડ 20 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઓપરેશનમાં એસઓજીની ઝડપી કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે. પોલીસે આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપી આ ગેરકાયદેસર વ્યવસાયમાં કેટલા સમયથી સંકળાયેલો હતો અને તેના સંપર્કમાં અન્ય કોણ-કોણ લોકો સામેલ છે.
અમરેલી જિલ્લાની અંદર જંગલ અને દરિયાઈ વિસ્તારોમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન ફેલાય તે માટે પોલીસે ચુસ્ત વોચ રાખી છે. તાજેતરની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે વન્ય પ્રાણી સંબંધિત સામગ્રીના વેપારીઓ માટે હવે અમરેલી સુરક્ષિત ઠેકાણું નથી રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai