અમરેલી 3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીને આગળ વધારવા માટે પાલિકા તંત્ર દ્વારા ગઇકાલે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોને અગાઉથી સૂચના આપવામાં આવી હતી જેથી અનાવશ્યક મુશ્કેલીઓ ઉભી ન થાય.
અમરેલી શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી નવી નથી. અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દબાણધારકોને નોટિસો પાઠવી હતી. શહેરના વિકાસ કાર્ય અને રોડ માર્ગ સુવિધા સુધારવા માટે આવી કામગીરી અનિવાર્ય બને છે.
હાલમાં શહેરના કેટલાક વિસ્તારો સીટી સર્વેની જમીનમાં આવતા હોવાથી ત્યાંની કાર્યવાહી તાત્કાલિક સ્થગિત રાખવામાં આવી છે. સંબંધિત કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ કામગીરીને ફરીથી શરૂ કરવામાં આવશે. નગરપાલિકા તંત્રનું માનવું છે કે શહેરમાં સ્વચ્છતા, વાહનવ્યવહારની સરળતા અને નગર વિકાસ માટે દબાણમુક્ત માર્ગો ખૂબ જ જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai